Tuesday, December 28, 2010

માણસ મોટો કે મધુકર?

એક ભમરી સાંજની રસોઇ બનાવીને પોતાના પુત્રને હોમવર્કમાં મદદ કરતી હતી. મદદદાત્રી ભમરી અમ્માએ પોતાનાં કીડને પૂછ્યું પણ ખરું કે હું તને હોમવર્કમાં હેલ્પ કરું છું એની તારા ટીચરને જાણ થઇ જતી નથીને?

અંગ્રેજી માઘ્યમમાં ભણતો બાળ મધુકર જાડા કાચનાં ચશ્મામાંથી નજર કરીને બોલ્યો કે આજે જ મારા ટીચર કહેતા હતા કે આ હોમવર્ક બે વ્યકિતએ સાથે મળીને કર્યું લાગે છે કારણ એક વ્યકિતથી આટલી બધી ભૂલો ન થઇ શકે.

મોન્ટુનું હોમવર્ક ફિનિશ થઇ ગયું છતાં મોન્ટુના ડેડી આવ્યા નહીં એટલે મિસિસ મધુકરનાં ચહેરા ઉપર મિસિસસહજ ચિંતા પ્રગટી. એ બોલી પણ ખરી કે તારા ડેડીને હજારવાર કહ્યું છે કે સૂરજ આથમે એ પહેલાં કમળ ઉપરથી ઉડી જવું.

અમારે જે ગણો તે તું એક જ દીકરો છે છતાં એમનાં લોભને થોભ નથી. સૂર્યાસ્ત પહેલાં જેટલો રસ મળી જાય એનાથી સંતોષ રાખવો જોઇએ, પણ તારા ડેડી સુધરવાના નથી. તું થોડી વાર ટીવી સામે બેસ ત્યાં હું પંકજ સરોવર જઇ આવું.

પિન્ક કલરનાં સ્કૂટી ઉપર સવાર થયેલી કાળી ભમરીબહેન બમ્પ કે ખાડા જોયાં વગર સરોવર પહોંચી અને સરોવરમાં રહેલા બીડાયેલા કમળ જોઇને ભમરીનું હૃદય ધબકારા ચૂકી ગયું.

શ્રીમતી મધુકર વિહવળ બનીને એક પછી એક કમળ ઉપર બેસીને મધુ... મધુ...નો પોકાર કરવા લાગી. એમાં એક પંકજમાંથી ઊડેથી અવાજ આવ્યો કે હલ્લો માય સ્વીટ હાર્ટ, આઇ એમ ઇન સાઇડ ધિસ લોટ્સ.

હજુ અ.સૌ.ભમરીબહેન કંઇ વિચારે તે પહેલા ગાંડોતુર થયેલો એક હાથી દોડતો આવીને એ સરોવરમાં પડયો અને કમળનો કચ્ચરઘાણ કાઢવા લાગ્યો. ભમરીને થયું કે મદોન્મત થયેલાં હાથીનો થાંભલા જેવો પગ આ કમળ ઉપર પડશે તો મારા પતિની તમામ પોલિસી એક જ દિવસે પાકી જશે.

કામાતુર કૂંજરનો કાળો કેર જોઇને ભમરીને પોતાના સેંથાનું સિંદૂર ભૂંસાતુ લાગ્યું. પોતાની ચૂડલીઓ નંદવાઇ જતી લાગી એટલે એણે મોન્ટુના પપ્પાને જોશથી કહ્યું કે કમળની કોમળ પાંખડીને તમારા કઠોર દાંતથી કોતરીને જલદી બહાર આવી જાવ.

આ સાંભળીને બંદીવાન ભમરો બોલ્યો કે એ મારાથી શકય નથી. મને જેણે બંધાવ્યો છે એ જ મને છોડાવશે. સૂર્ય આથમી જવાથી મારે કેદ થવું પડયું છે એ સૂર્ય ઉગશે એટલે હું આઝાદ થઇ જઇશ.

તું મારી ચિંતા કર્યા વગર શાંતિથી ઘરે જા. તમે મા-દીકરો જમીને પછી મહાભારત જોઇને સૂઇ જજો. હું સવારે આવી જઇશ.

આ સાંભળીને મોન્ટુની મમ્મી બોલી કે અત્યારે એક હાથી માણસ જેવું વર્તન કરી રહ્યો છે અને હાથણીનાં વિયોગમાં નિર્દોષ કમળનો સર્વનાશ કરી રહ્યો છે.

મધુકર યાદ કર આજથી પંદર વરસ પહેલાની સાંજ. ત્યારે આપણું હજુ સગપણ થયું હતું અને મને જાગરણની સાંજે મળવાની ઉત્કંઠામાં તેં લોખંડ જેવું કઠોર કાષ્ઠ પણ કોતરીને લોટ કરી નાખ્યું હતું, અને અત્યારે કમળની મુલાયમ પાંખડીમાં છીદ્ર પાડવામાં તને શું તકલીફ છે?

મને ખબર છે તારામાં ચાલીસ વરસે હવે પચીસનો હતો ત્યારે હતી એવી તાકાત નથી પણ પંકજપાંખ પણ છેદી ન શકે એવો કમજોર તો તું નથી એની મને ખબર છે.

ત્યારે કમળમાંથી ભમરાનો અવાજ આવ્યો કે વહાલી ભમરી, હું કમજોર નથી પણ મજબૂર છું. જે કમળે મને એના હૃદયમાં સ્થાન આપ્યું એનો મધુર રસ ચખાડયો, અને હવે એજ દિલને તોડીને ભાગી નીકળું તો કાલથી એક પણ કમળ ભમરાનો ભરોસો કરશે નહીં.

મધુકરનાં છેલ્લા શબ્દો હાથીનાં સૂપડાં જેવાં કાન સુધી પહોંચી ગયા અને ગમે તે થયું પણ ગાંડો હાથી ક્ષણવારમાં શાણો બનીને સરોવર છોડી ગયો.

No comments:

Post a Comment